વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ હવે 23000 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલ ટર્મિનલ બિલ્ડિંગ સંપૂર્ણ તૈયાર થઇ ગયું છે. જેના લોકાર્પણ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માંગવામાં આવ્યો છે. જોકે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા 9 ફેબ્રુઆરીએ નવા ટર્મિનલનુ લોકાર્પણ કરવા માટેનું મુહૂર્ત કાઢવામાં આવ્યું હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, આ કાર્યક્રમને લઈ આવતીકાલે (20 જાન્યુઆરી) એરપોર્ટ ઓથોરિટીની ફાઈનલ બેઠક મળવાની છે, જેમાં સત્તાવાર રીતે જાહેરાત કરાઈ તેવી શક્યતાઓ છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિરાસર ખાતે પ્રધાનમંત્રી દ્વારા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યા બાદ સપ્ટેમ્બર 2023થી ડોમેસ્ટિક એરપોર્ટ અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે. જો કે કાયમી ઇન્ટરનેશનલ ટર્મિનલ તૈયાર કરવામાં આવી રહ્યું હતું, માટે હંગામી ટર્મિનલ તૈયાર કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે કાયમી ટર્મિનલ તૈયાર થઇ જતા અહીંયા 14 એરક્રાફ્ટ પાર્કિંગ સુવિધા, 256 જેટલા સીસીટીવી કેમેરા, 4 એરોબ્રિજ અને એક સાથે 1800 મુસાફરો હેન્ડલ કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે.
9 ફેબ્રુઆરીના નવા ટર્મિનલનુ લોકાર્પણ કરાશેઃ સુત્રો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલની અદભૂત ઝલક સામે આવી છે. ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ તૈયાર થઈ જતા તાજેતરમાં થોડા સમય પૂર્વે ડાયરેક્ટર જનરલ-સિવિલ એવિએશનના અધિકારીઓએ નવા ટર્મિનલ બિલ્ડિંગની સમીક્ષા પણ કરી હતી. 23,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ આ ટર્મિનલમા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર, લોકો ટર્મિનલમાંથી સીધા ફ્લાઈટમાં પહોંચી શકે તે માટે 4 એરોબ્રિજ મુકવામાં આવ્યા છે. એરોબ્રિજ મુકવાથી દરેક ફલાઈટના ઓપરેશન વચ્ચે 20 મિનિટ જેટલો સમયગાળો બચી જશે. આગામી ફેબ્રુઆરીમાં નવા ટર્મિનલનુ લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
