શહેરમાં દર મહાશિવરાત્રીએ ‘શિવજી કી સવારી’ સહિત સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેનો ખર્ચ રાજય સરકારનો ટુરીઝમ વિભાગ કરશે તેમ નક્કી કરવામાં આવ્યું હોવા છતાં ખર્ચ ન અપાતાં પાલિકા દ્વારા વિવિધ આયોેજનો માટે ~1 કરોડની દરખાસ્ત સ્થાયીમાં મુકાઇ છે.
ફરી એકવાર રાજ્ય સરકારની ગ્રાન્ટ નહીં મળતા શિવજી કી સવારીનો ખર્ચ કોર્પોરેશનમાંથી ખાસ તસલમાત મેળવીને કોન્ટ્રાક્ટરોને ચૂકવી દેવાની દરખાસ્ત રજૂ થતાં વિવાદ સર્જાયો છે. અગાઉ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી નાણા ચુકવવા ઠરાવ થયો હોવા છતાં બે વર્ષથી ખર્ચ ચૂકવાયો નથી. શિવજી કી સવારી અંતર્ગત શિવરાત્રી પહેલા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકડાયરાના કાર્યક્રમો થતા હોય છે, ઠેર ઠેર હોર્ડિંગ્સ પણ લાગે છે. જેનો ખર્ચ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ સરકાર તરફથી ગ્રાન્ટ પ્રાપ્ત થઈ નથી. જેથી ફરાસખાના વિડીયોગ્રાફી સહિત ~1 કરોડ ચૂકવવાની દરખાસ્ત મુકાઇ છે.
સર્વેશ્વર મહાદેવના લોકાપર્ણ બાદ શિવજી કી સવારી દરમિયાન થનાર ખર્ચ પાલિકા ભોગવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જે પાલિકા ચૂકવતી હતી. જોકે બે વર્ષ પૂર્વે સરકારની ગ્રાન્ટમાંથી શિવજી કી સવારીનો ખર્ચો થશે તેવો ઠરાવ પસાર થયો હતો. છતાં સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં ન આવતાં હવે કોર્પોરેશને ખર્ચો ભોગવવાનો વારો આવ્યો છે. સંકલન સમિતિએ સરકારની ગ્રાન્ટમાંથી શિવજી કી સવારીનો ખર્ચ ચૂકવવા ઠરાવ કર્યો હતો. તે બાદ સમય વીતી જતા સરકારી ગ્રાન્ટ આવી નહીં અને આ દરખાસ્ત ફરી સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ સર્જાયો છે.
આ વર્ષે ખર્ચ કોણ કરશે તે નક્કી નથી આ વર્ષે યોજાનારી શિવજી કી સવારીમાં સુરસાગર ખાતે થનાર આરતી સહિત લોક ડાયરાના કાર્યક્રમોનો ખર્ચ તથા અન્ય લાઇટ ડેકોરેશનનો ખર્ચ કોર્પોરેશન કરશે કે ફરીથી સરકારમાં ગ્રાન્ટની માંગણી કરાશે તે હજુ સુધી નક્કી નથી.
ગ્રાન્ટનો વિષય સરકાર અને કોર્પોરેશનનો છે શિવજી કી સવારી એ વડોદરાની સાંસ્કૃતિક ધરોહર છે. શિવજી કી સવારી આસ્થાનું કેન્દ્ર છે. લાખો ભકતો દર વર્ષે શિવજી કી સવારીમાં જોડાય છે. જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળે છે તે પ્રકારે જ શિવજી કી સવારી એ વડોદરા નગરીની સંસ્કૃતિનો ભાગ છે. શિવજી કી સવારી માટે ગ્રાન્ટનો વિષય સરકાર અને કોર્પોરેશનનો છે. > મંયક પટેલ, પ્રમુખ, શિવજી કી સવારી
ડાયરાના કલાકારોને પહેલા ચેક અપાય છે શિવજી કી સવારી પહેલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડાયરાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ડાયરાના કલાકારો સ્ટેજ પર ચઢતા પહેલા ચેક આપી દેવા પડતા હોય છે. જો તેમને ચેક આપવામાં ન આવે તો કાર્યક્રમ જ આગળ વધે નહિ. ડાયરાના કલાકારોને કોર્પોરેશન દ્વારા કાર્યક્રમ પહેલા ચેક આપવામાં આવે છે. ડાયરાના કાર્યક્રમ માટે ગુજરાતના પ્રસિધ્ધ કલાકારો આવતા હોય છે.
ન્યાયમંદિર-લાલ કોર્ટમાં મ્યુઝિયમ બનાવવાનું કામ સરકારની ગ્રાન્ટમાંથી કરવાનું કહીને સ્થાયી સમિતિમાંથી પરત કરાયું હતું ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લે ટીમ વડોદરા બનાવી તજજ્ઞની ટીમ દ્વારા હેરિટેજ વડોદરાની આગવી ઓળખ ઉભી કરવા માટે ન્યાયમંદિર અને લાલ કોર્ટમાં મ્યુઝિયમ બનાવવાના કામો સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જોકે સ્થાયીમાં મહિલા સભ્યે તેનો વિરોધ કર્યો હતો અને રાજ્ય સરકારની ગ્રાન્ટ આવે તેમાંથી જ કામ કરવું તેવો ઠરાવ કરવાની જીદ પકડી હતી. જેના પગલે દરખાસ્ત મંજૂર કરવામાં આવી ના હતી. બીજી તરફ શિવજી કી સવારી ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આયોજિત શિવજી કી સવારી કાર્યક્રમના ખર્ચની ચુકવણી સરકારી ગ્રાન્ટ આવી ના હોવા છતાં પણ તેનો ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે જેના પગલે વિવાદ સર્જાયો છે.
