ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હેલ્મેટને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ લોકોમાં જોઈએ તેવી જાગૃતતા આવી નથી. ત્યારે હવે આજથી સુરતમાં ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગૂ થઈ ગયો છે. હવે આજથી સુરતમાં જો ટુ-વ્હીલર લઈને ઘરની બહાર નીકળ્યા અને હેલ્મેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.
સુરતમાં આજથી હેલ્મેટ નહીં પહેરો તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. શહેરમાં 550 સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક પોલીસની 250 ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે, ત્યારે હેલ્મેટ નહીં પહેરનારા સ્થળ પર જ દંડ અને ઈ-મેમો આપવામાં આવશે. આ માટે 3 હજાર કોન્સ્ટેલના મોબાઇલ ફોનમાં VOC એપ ઇન્સ્ટોલ કરવામાં આવી. આ એપથી પોલીસ ફોટો પાડશે જે કમાન્ડ કંટ્રોલ રૂમમાં જશે. કમાન્ડ કંટ્રોલ રૂમથી જે-તે વ્યક્તિના નામે મેમો બની જશે. અગાઉ પોલીસે 45 દિવસ સુધી હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.
એક દિવસ પહેલા સુરત પોલીસે હેલ્મેટ પહેરી બાઈક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ટ્રાફિક વિભાગના પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોમાં હેલ્મેટ વિશે જાગરૂકતા આવે તે માટે રેલી યોજવામાં આવી હતી. રેલીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચઅધિકારીઓ પણ જોડાયા હતા.
DGPના આદેશ બાદ પોલીસ એક્શનમાં
રાજ્યમાં વધતા અકસ્માતો બાદ અને હાઈકોર્ટના કડક વલણ બાદ DGPએ હેલમેટ પહેવાનો આદેશ કર્યો છે. DGPના પરિપત્ર બાદ સુરત શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે. આ અઠવાડિયે જ સુરતમાં RTOના નિયમનું ઉલ્લંઘન કરનાર સરકારી અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવતા 228 સરકારી અધિકારીને પકડીને દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકા, કલેક્ટર કચેરી, સરકારી હોસ્પિટલના દરવાજે પોલીસ સતત તપાસ કરી રહી છે. હેલ્મેટના નિયમનો ભંગ કરનારા 10 પોલીસકર્મી પણ પકડાયા.
તમામ સરકારી કચેરી બહાર પોલીસનું ચેકિંગ
ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ-વ્હીલર પર ફરજિયાત હેલ્મેટ પહેરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે 11 ફેબ્રુઆરીથી તમામ સરકારી કચેરીમાં કર્મચારી માટે ટુ-વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. હાઇકોર્ટના કડક વલણને પગલે રાજ્યના DGPએ આદેશ કરતાં હેલ્મેટ વગરના કર્મચારી સામે પગલાં લેવામાં આવશે અને તેમને દંડ ફટકારવામાં આવશે. આ માટે રાજ્યભરની તમામ સરકારી કચેરીઓ અને સચિવાલયના ગેટની બહાર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી. તમામ સરકારી કચેરી બહાર પોલીસે ચેકિંગ શરૂ કરી દીધું છે. હેલ્મેટ પહેર્યા વિના આવતા સરકારી કર્મચારીને દંડ ફટકારવામાં આવશે.
