વડોદરામાં એક સામાજિક પ્રસંગમાં દારૂની રેલમછેલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. આ વીડિયો કયા સ્થળનો છે તેની ઓળખ થઈ શકી ન હોવાનું પોલીસે જણાવ્યું છે અને અલગ અલગ ટીમો તપાસમાં લગાડી છે. તો બીજી તરફ માંજલપુર વિસ્તારમાં એક બિલ્ડરના પુત્રના લગ્નમાં આ દારૂની પાર્ટી થઈ હોવાની ચર્ચા શરૂ થઈ છે. પોલીસે હાલ વાઈરલ વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરી મામલાના મૂળ સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે.
બિલ્ડરના પુત્રના લગ્નમાં દારૂની પાર્ટી થઈ હોવાની ચર્ચા શહેરના માંજલપુરમાં બિલ્ડર પુત્રના આયોજિત લગ્ન પ્રસંગ માટે બૂક કરાવામા આવેલા પાર્ટી પ્લોટ બારમા ફેરવાઇ ગયો હોવાની ચર્ચા છે. પાર્ટી પ્લોટમાં આયોજીત લગ્ન પ્રસંગમાં રેડી ટુ ડ્રીંક બોટલમાં મહેમાનોને દારૂ પીરસવામાં આવ્યો હતો. જેમાં સ્કોચ વિસ્કીની બોટલમાંથી નાની બોટલમાં દારૂ ઠાલવવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જો કે, પોલીસે હજી સુધી કોઈ સ્થળની ઓળખ થઈ હોવાનો ઈન્કાર કર્યો હતો.
ઠંડાપીણાની માફક દારૂ પીરસવામાં આવ્યો વીડિયો પ્રમાણે ચાર જેટલા ઈસમો મોટી બોટલમાંથી નાની બોટલમાં દારૂ ઠાલવતા હોવાના દ્રશ્યો કેદ થયા છે. વિદેશી દારૂની 20 જેટલી બોટલોમાંથી કેટલીક ભરેલી તો કેટલીક ખાલી જોવા મળી રહી છે.
શું કહી રહી છે પોલીસ? DCP અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, એક વીડિયો વાયરલ થયો છે. તે મામલે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વીડિયો કઇ જગ્યાનો, ક્યારનો બનાવ છે, ક્યાંનો બનાવ છે, તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. તેની તપાસમાં એલસીબી, પોલીસ મથક તથા અન્ય જવાનોને કામે લગાડવા ટીમ બનાવવામાં આવી છે. વીડિયો વાયરલ થયો છે, વીડિયો જોતા જગ્યાનો અંદાજો લગાડી શકાયો નથી, આ કોની જગ્યાએ બનાવ બન્યો છે, તે ઓળખી શકાયું નથી. તે બાબતે હાલમાં વીડિયોના આધારે તપાસ કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સીસીટીવી મેળવવામાં આવશે. ત્યાર બાદ વધુ માહિતી મેળવવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ કઇ બ્રાન્ડ અને વસ્તુની બોટલો છે, તે સ્પષ્ટ થઇ રહ્યું નથી. તે જગ્યાએ જઇશું, અને મુદ્દામાલ મળશે, ત્યારે ખબર પડશે. સંભવિત જગ્યાઓ પર ટીમો મોકલી રહ્યા છીએ.
