વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે (1 માર્ચ) ઈન્ડિયા માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચે IMLની બીજી મેચ યોજાનાર છે. ત્યારે ક્રિકેટ જગતના મહાન ખેલાડી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને 15 વર્ષ પછી રમતો જોવા ચાહકોનો જમાવડો રહેશે. હાલમાં 1500 અને 7000ની મોંધી ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. આ સાથે 10,000થી વધુ ટિકિટનું પણ વેચાણ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ યોજાયેલ શ્રીલંકા માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચેની પ્રથમ મેચમાં દર્શકોની પાંખી હાજરી જોવા મળી હતી.
આજે કોટંબી સ્ટેડિયમ પ્રેક્ષકોથી ભરાવાની સંભાવના આજે રમાનાર ઇન્ડિયન માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચેની મેચ પૂર્વે ટિકિટોનું ઑનલાઇન ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. આ મેચને નિહાળવા માટે રૂપિયા 300, 500, 1500, 5000 અને 7000ની ટિકિટો રાખવામાં આવી છે. જેમાંથી રૂપિયા 1500 અને 7000 હજારની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. તો બીજી તરફ રૂપિયા 500 અને 5000ની ટિકિટોનું ભારે વેચાણ જોવા મળી રહ્યું છે. ત્યારે કહી શકાય કે, ગતરોજ કરતા આજે ઇન્ડિયન માસ્ટર્સને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકોની હાજરી જોવા મળશે.

પઠાણ બંધુ આજની મેચમાં જોવા મળશે આ સાથે વતનમાં અને હોમ ગ્રાઉન્ડમાં રમનાર વડોદરાના પઠાણ બંધુ પણ આજે આ મેચમાં જોવા મળશે. ત્યારે આ બંને ખેલાડી પોતાના ઘરે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે. આ બંને ભાઈ એકસાથે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પર્ફોર્મ કરવાના છે, ત્યારે વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ સચિન તેંડુલકર સાથે ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણને મેચ રમતા પ્રત્યક્ષ નિહાળી શકશે.
IMLની કોટંબી સ્ટેડિમમાં 6 મેચ, 5 હજુ બાકી 22 ફેબ્રૂઆરીથી આ લીગની શરૂઆત મુંબઇમાં થઈ હતી. ગતરોજથી વડોદરાના ઇન્ટરનેશનલ કોટંબી સ્ટેડિયમમાં મેચો શરૂ થઈ છે. ગતરોજ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં શ્રીલંકા માસ્ટર્સની ત્રણ વિકેટે જીત થઈ હતી. આજે ભારત માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચે મેચ રમાશે. આ સિવાય ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝની ટીમો રમશે. 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન 6 મેચ કોટંબી સ્ટેડિમમાં રમાનાર છે.

60 દિગ્ગજ કિક્રેટરો માસ્ટર લીગમાં રમશે આ લીગમાં સચિન તેડુંલકર, યુવરાજસિંગ, ઈસુબ પઠાણ, ઈરફાન પઠાણ, કુમાર સાંગાકારા, બ્રાયન લારા, ઇયોન મોર્ગન, શેન વોટ્સન, શોન માર્શ, જેક કાલિસ, કેવિન પીટરસન, જોન્ટી રોડ્સ અને ક્રિશ ગેલ સહિતના 60 કિક્રેટર માસ્ટર્સ લીગમાં રમશે. આ ઉપરાંત ગર્વનિંગ કાઉન્સિલમાં સુનિલ ગાવસ્કર, સોન પોલોક, સર વિવ રિચાર્ડ્સ પણ હાજર રહેશે. આ ઉપરાંત અમ્પાયર તરીકે સિમોન ટૌફલ અને બીલી બાઉડન હાજર રહેશે અને મેચ રેફરી તરીકે ગુડપ્પા વિશ્વનાથન રહેશે.
મહાન ખેલાડીઓનું કૌવત ફરી એકવાર જોવા મળશે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, જેક્સ કાલિસ, કુમાર સંગાકારા અને ઇયોન મોર્ગન જેવા માસ્ટર્સને તેમની સંબંધિત 6 ટીમોનું નેતૃત્વ કરી રહ્યા છે, જેથી આવા મહાન ખેલાડીઓનું ક્રીઝ પર કૌવત ફરી એકવાર જોવા મળશે. વડોદરા ખાતે આ સિરીઝ પૈકી 6 મેચો યોજાઈ રહી છે, જેની આજે બીજી મેચ છે. જેમાં ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડીઓ ફરી એકવાર ગ્રાઉન્ડ પર પોતાનો જાદુ પાથરશે.

ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગની વડોદરાની મેચોનું શિડ્યુલ
- 28 ફેબ્રુઆરીઃ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા (રમાઈ ગઈ)
- 1 માર્ચઃ ભારત અને સાઉથ આફ્રિકા
- 3 માર્ચઃ સાઉથ આફ્રિકા અને ઇગ્લેન્ડ
- 5 માર્ચઃ ભારત અને ઓસ્ટ્રેલિયા
- 6 માર્ચઃ શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ
- 7 માર્ચઃ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા
