Vadodara News Network

ગુજરાતમાં વધુ 8 શહેરમાં પોલીસ કમિશનર નિમાશે:રેન્જ વધીને 11 થશે, ગાંધીનગરને કમિશનરેટ આપવાની લાંબા સમયથી ચાલી રહેલી કાર્યવાહીમાં મહેસાણા, ભાવનગર અને જામનગર પણ જોડાયા

રાજ્યના સિનિયર IPS અધિકારીઓની બદલીઓ ટૂંક સમયમાં થવા જઈ રહી છે. તેની સાથે રાજ્યમાં હવે 9 ની જગ્યાએ કુલ 11 રેન્જ થાય તો નવાઈ નહીં. નવી બે રેન્જ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે અને બદલીઓની સાથે જ તેની જાહેરાત થાય તેવી શક્યતા ગૃહ વિભાગના સૂત્રોએ વ્યક્ત કરી છે. જેમાં કચ્છ અને મોરબી ઉપરાંત બનાસકાંઠા અને પાટણ આમ બે-બે જિલ્લા વચ્ચે અલગ અલગ બે રેન્જ કરવાનું સરકારે મન બનાવ્યું છે. આ ઉપરાંત ભવિષ્યમાં ગાંધિનગર, મહેસાણા, ભાવનગર અને જામનગર જિલ્લાને કમિશનરેટ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થયાનું સુત્રોનું કહેવું છે.

ગાંધીનગર જિલ્લાને કમિશનરેટ કરવાની ચર્ચા છેલ્લા પાંચેક વર્ષથી ચાલી રહી છે પરંતુ કોઈના કોઈ કારણોસર તે શક્ય બન્યું ન હતુ. ગાંધીનગર સંપૂર્ણ જિલ્લાને પોલીસ કમિશનરેટ કરવા પાછળ વીવીઆઈપી મૂવમેન્ટ ઉપરાંત વિદેશી મહેમાનો આમંત્રીત હોય તેવા કાર્યક્રમોમાં બંદોબસ્ત યોગ્ય રીતે જળવાઈ રહે અને મોસ્ટ સિનિયર અધિકારીનું સુપરવિઝન રહે તેવો હેતુ હતો. જો કે, હવે માત્ર ગાંધિનગર જ નહીં પરંતુ, મહેસાણા, ભાવનગર અને જામનગર જિલ્લાને પણ પોલીસ કમિશનરેટ બનાવાની હિલાચાલ શરૂ થઈ છે. ઉલ્લેખનિય છે કે, હાલ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ચાર મહાનગરોમાં જ પોલીસ કમિશનરની પોસ્ટ છે. આગામી સમયમાં રાજ્યમાં આઠ પોલીસ કમિશનર હશે.

  • બદલાવચ; રાજકોટ અને કચ્છ રેન્જ હાલ ભૌગોલીક દૃષ્ટીએ સૌથી મોટી

વિસ્તારની દૃષ્ટીએ હાલમાં કચ્છ અને રાજકોટ રેન્જ સૌથી મોટી છે. જેમાં રેન્જ આઈ.જીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવામાં પણ કલાકોનો સમય લાગી જાય છે. જેના પગલે રાજકોટ રેન્જમાંથી મોરબીને અલગ કરી કચ્છ રેન્જમાં લેવાનું અને કચ્છ રેન્જમાંથી બનાસકાંઠા-પાટણ અલગ કરી નવી રેન્જની કાર્યવાહી કરી હોવાનું સૂત્રોનું કહેવું છે.

નવી રેન્જ અને કમિશનરેટથી શું ફાયદો થશે? હાલ જિલ્લાઓમાં સિનિયર પોલીસ અધિકારી તરીકે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે, એસ.પી ફરજ બજાવે છે. જિલ્લામાં કોઈ હિસ્ટ્રીસિટરને તડીપાર કે પાસા કરવા માટે જે-તે જિલ્લાના કલેક્ટરની મંજૂરી લેવી પડે છે. કમિશનરેટ બનતા જ આ મંજૂરીનો પાવર પોલીસ કમિશનર પાસે જ હોવાથી પ્રક્રિયા સરળ થઈ જશે. ઉપરાંત પોલીસ કમિશર તરીકે 20 થી 25 વર્ષના અનુભવી અધિકારી મુકાશે જેથી કાયદો-વ્યવસ્થામાં પણ ફરક પડશે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે આવતા જ અનેક જિલ્લામાં પોલીસ કમિશર મુક્યા જેથી ત્યાં કાયદો વ્યવસ્થા કાબુમાં આવી ગઈ. ઉપરાંત રેન્જ વધારવાથી લોકોને ફરિયાદ માટે દૂર જવું નહીં પડે.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved