Stock Market Opening Bell: 3 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અંગે કરવામાં આવેલી જાહેરાતોને કારણે ગુરુવારે બેન્ચમાર્ક શેરબજારના સૂચકાંકોમાં ભારે ઉછાળો આવ્યો. સવારે S&P BSE સેન્સેક્સ 647 પોઈન્ટ વધીને 81,214 પર પહોંચ્યો. જ્યારે NSE નિફ્ટી 50 પણ 194 પોઈન્ટ વધીને 24909 પર પહોંચ્યો. એક્સપર્ટના મતે ઐતિહાસિક GST સુધારા અપેક્ષા કરતાં વધુ સારા રહ્યા છે. ઘણા ક્ષેત્રોને આનો ફાયદો થયો છે.
GST ઘટાડાની જાહેરાતથી ભારતીય બજારોમાં સકારાત્મક વાતાવરણ સર્જાયું છે. GST કાઉન્સિલે 12% અને 28% ના ટેક્સ સ્લેબને દૂર કરવાનો અને ફક્ત 5% અને 18% ના બે સ્લેબ રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે, ઘણી વસ્તુઓ પર ટેક્સ દર ઘટાડવામાં આવ્યા છે. આ સમાચારથી રોકાણકારોનું મનોબળ વધ્યું અને બજારમાં તેજી આવી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં સારો ઉછાળો જોવા મળ્યો અને સમગ્ર બજારમાં ખરીદીનું વાતાવરણ સર્જાયું.
સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધાયો જબરદસ્ત ઉછાળો
આજે બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ લગભગ 647 પોઈન્ટ વધીને 81214 પર પહોંચી ગયો. નિફ્ટી પણ 194 પોઈન્ટ વધીને 24909 પર પહોંચી ગયો. ખાસ વાત એ છે કે નિફ્ટીના તમામ સેક્ટરલ સૂચકાંકો આજે ગ્રીન ઝોનમાં છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી. સ્પષ્ટ છે કે ટેક્સ ઘટાડાથી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે અને તેઓ ભારે રોકાણ કરી રહ્યા છે.
3 સપ્ટેમ્બરના રોજ BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડી 45276262 કરોડ રૂપિયા હતું. માત્ર એક જ દિવસમાં એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ તે વધીને 45674928 કરોડ રૂપિયા થઈ ગયું. આનો અર્થ એ થયો કે રોકાણકારોની મૂડીમાં લગભગ 398666 કરોડ રૂપિયાનો મોટો ઉછાળો આવ્યો. આ ઉછાળો બજારમાં વધતી જતી તેજી અને રોકાણકારોના વિશ્વાસનો મોટો પુરાવો છે.
