ભારત આવતા બે વર્ષમાં જર્મનીને પાછળ છોડી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. એવું નિવેદન આપ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલે. તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું આર્થિક માળખું મજબૂત છે અને વિકાસની ગતિ અમેરિકા તથા ચીનથી પણ આગળ છે.
રિપબ્લિક મીડિયા નેટવર્ક સાથેની ખાસ વાતચીતમાં સાન્યાલે કહ્યું કે, જો કંઈ મોટું સંકટ ન આવે તો આવતા 24 મહિનામાં ભારત જર્મનીને પાછળ છોડી દેશની અર્થવ્યવસ્થાને ત્રીજા ક્રમે પહોંચાડી દેશે. તે સમયે પણ અમારી ગતિ અમેરિકા અને ચીન કરતાં ઝડપી રહેશે.
GST અને સુધારા ભારતની તાકાત
સાન્યાલે જણાવ્યું કે GST લાગુ કરવું એક મોટો માળખાકીય સુધારો હતો. શરૂઆતના પડકારો બાદ હવે સિસ્ટમને સ્થિર કરીને વધુ અસરકારક બનાવવા માટે પ્રક્રિયાત્મક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આર્થિક સુધારાઓએ ભારતને મજબૂત સ્થિતિમાં રાખ્યું છે.
પૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગોવાજીને બે નવી સમિતિઓની જવાબદારી સોંપવામાં આવી છે, જે અર્થતંત્રના અનેક ક્ષેત્રોને ડિરેગ્યુલેટ કરશે. સરકાર દ્વારા રજૂ થયેલ જન વિશ્વાસ વિધેયક અંતર્ગત 16 અધિનિયમોમાંથી 330થી વધુ પ્રાવધાનોને અપરાધમુક્ત કરવામાં આવશે, જેથી વ્યવસાય માટે વધુ અનુકૂળ વાતાવરણ સર્જાશે. સાન્યાલે કહ્યું કે જહાજ નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ સહિત અનેક ક્ષેત્રોમાં આગળ સુધારા થશે.
