વડોદરા મહાનગરપાલિકાની ટીમ પોલીસ સાથે આજે આજવા રોડ પર ફાતિમા કોમ્પ્લેક્સ, આયસા પાર્ક અને ઝેબન પાર્ક સોસાયટી પાસે રોડ ખુલ્લો કરાવવા પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને લોકોએ રોડ પર વાહનો આડા મૂકી દીધા હતા અને પાલિકાની કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો હતો. જેથી લોકોને દૂર ભગાડવા પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો.
પોલીસવાળાએ અમારી પર લાઠી ચાર્જ કર્યો: પરવેશભાઈ ખત્રી સ્થાનિક પરવેશભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, આજવા રોડ પર આવેલી ઇબ્રિહિમ બાવાની ITI પાસે આવેલા ફાતિમા કોમ્પ્લેક્સ, આયસા પાર્ક, ઝેબન પાર્ક સોસાયટી આવેલી છે. અમારું કહેવું છે કે, અહીં TP રોડ પાડવો હોય તો છેક આગળથી પાડતા આવો. દબાણ કરવું છે તો પૂરૂ તોડો બાકી અમારી સોસાયટીના આસપાસમાં જ કેમ તોડવામાં આવે છે. આ દિવાલ કેમ તોડવામાં આવે છે. અમને શું કામ હેરાન કરો છો. પોલીસવાળા અમારા પર એટલા ગુસ્સે થયા કે અમારી પર લાઠી ચાર્જ કર્યો. મારો મોબાઈલ પણ તોડી નાખ્યો. તમે આગળથી તોડતા આવો અમે સ્વેચ્છાએ તોડવા માટે તૈયાર છે. અમને બહુ માર્યા છે.

હાલ એક તરફનો એપ્રોચ ખુલ્લો કરી રહ્યા છીએ: પિયુષભાઈ, TDO વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર પિયુષભાઈ જણાવ્યું હતું કે, એપી 44 સરકારી ડ્રાફ્ટ મંજૂર કર્યો છે જેના માટે નોટિસ આપીને રોડ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. પોલીસ અને પાલિકાની ટીમ સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આખો 12 મીટરનો રોડ ખુલ્લો કરી આપો. અમે હાલ એક તરફનો એપ્રોચ ખુલ્લો કરી રહ્યા છીએ.

કાયદો-વ્યવસ્થા જાળવવા અમે કામગીરી કરી: એમ કે ગુર્જર, પીઆઇ આ મામલે બાબત પોલીસ સ્ટેશનના પીઆઇ એમ કે ગુર્જરે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા રોડ ખુલ્લો કરવાની કામગીરી હોવાથી અમારી પાસે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. જેથી અમે બંદોબસ્ત સાથે અહીં આવ્યા હતા. આ દરમિયાન લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ રોડ પર વાહનો આડા મૂકી દીધા હતા અને તેઓ ત્યાંથી જવા તૈયાર નહોતા. જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે કામગીરી કરી હતી.

