વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને ગત રાત્રે બે આગના બનાવો અંગેના કોલ મળ્યા હતા. પહેલા બનાવમાં શહેરના પોલોગ્રાઉન્ડ પાસે આવેલા બગીખાના પાસે એક ડામર ભરેલ ટેન્કરમાં આગ લાગતા અફરા-તફરી મચી હતી. જ્યારે બીજા બનાવમાં શહેરના દંતેશ્વર વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગી હતી. જો કે આ બંને આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ડામરની ટેન્કરમાં અચાનક આગ ભભૂકી પ્રથમ બનાવ શહેરના પોલોગ્રાઉન્ડ પાસે આવેલ બગીખાના વિસ્તારમાં રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ડામરની ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવને લઈ ફાયર વિભાગને કોલ આપવામાં આવ્યો હતો. જો કે, દાંડિયા બજાર ફાયર વિભાગની ટીમ પહોંચતા પહેલા જ આગ પર કાબુ મેળવી લીધો હતો. આ આગ લગતા રોડ પર અફરાતફરી મચી હતી.
દુકાનની આગ વિકરાળ બને તે પહેલાં ફાયર વિભાગે કાબુમાં લીધી મોડી રાત્રે બનેલી અન્ય એક ઘટના શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં આગ લાગી હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગને મળ્યો હતો. દંતેશ્વર વિસ્તારમાં આવેલ ભાથીજી મંદિર મેન રોડ પર આવેલ મહાલક્ષ્મી કંગન સ્ટોરમાં આગ લગતા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. જો કે, આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
