India’s Massive Gold Loan Craze: ભારતમાં સોનું માત્ર ઘરેણાં તરીકે પહેરવા માટે કે પછી તિજોરીમાં રોકાણ તરીકે મૂકી નથી રખાતું, પરંતુ જરૂરિયાતના સમયે નાણાં મેળવવાનું સૌથી મોટું સાધન છે. દેશમાં હાલ ₹18.62 લાખ કરોડનું ગોલ્ડ લોન માર્કેટ છે. આશ્ચર્યની વાત એ છે કે આ માર્કેટ પર દક્ષિણ ભારતનું એકચક્રી શાસન છે. સંસદમાં રજૂ થયેલા સત્તાવાર આંકડા દર્શાવે છે કે દેશની કુલ ગોલ્ડ લોનમાંથી લગભગ 75% હિસ્સો એકલા દક્ષિણના પાંચ રાજ્યોનો છે. જ્યારે સોનાના વેપારમાં આગળ રહેલું ગુજરાત આ બાબતમાં ઘણું પાછળ છે. આ તફાવત પાછળ લોકોની નાણાકીય ટેવો અને રાજ્યોની અલગ-અલગ વિચારસરણી જવાબદાર છે. ચાલો, દેશમાં ગોલ્ડ લોનનું ગણિત સમજીએ.
દક્ષિણ ભારત ગોલ્ડ લોનમાં સૌથી આગળ
31 માર્ચ, 2026 સુધીના RBI અને સરકારી બૅંકો(PSB)ના ડેટા અનુસાર, દક્ષિણ ભારત સોના પર લોન લેવામાં દેશમાં સૌથી આગળ છે.
-
તમિલનાડુ: ₹4,11,656 કરોડની બાકી ગોલ્ડ લોન સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
-
આંધ્ર પ્રદેશ: ₹2,22,953 કરોડ સાથે બીજા ક્રમે આવે છે.
-
કર્ણાટક: ₹98,962 કરોડ સાથે ત્રીજા ક્રમે છે.
-
તેલંગાણા: ₹92,394 કરોડ સાથે ચોથા ક્રમે છે.
-
કેરળ: ₹83,657 કરોડ સાથે પાંચમા ક્રમે છે.
બિન-બૅંકિંગ ફાઇનાન્સ કંપનીઓ(NBFCs – Non-Banking Financial Companies)ને પણ ઉમેરીએ તો આ પાંચ રાજ્યોનો કુલ હિસ્સો આશરે ₹13.94 લાખ કરોડ જેટલો થાય છે.
સોનાના વેપારમાં આગળ હોવા છતાં ગુજરાત ગોલ્ડ લોન બાબતે કેમ પાછળ?
ગુજરાતમાં સોનાનું રિફાઇનિંગ, દાગીના બનાવવાનું કામ અને સોનાનો વેપાર ખૂબ મોટા પાયે થાય છે, તેમ છતાં લોકો સોના પર લોન લેવામાં ખાસ રસ દર્શાવતા નથી.
-
ગુજરાતની પબ્લિક સેક્ટર બૅંકોમાં ગોલ્ડ લોન બાકી રકમ: ₹23,381 કરોડ
ગુજરાતમાં ગોલ્ડ લોનનું પ્રમાણ તમિલનાડુ કે આંધ્ર પ્રદેશની સરખામણીએ ખૂબ જ ઓછું છે. નાણાકીય નિષ્ણાતોના મતે આ તફાવત પાછળ લોકોની લોન લેવાની પદ્ધતિ જવાબદાર છે. -
દક્ષિણ ભારતમાં: લોકો ખેતી, નાના ધંધાના વિસ્તાર કે ટૂંકા ગાળાની રોકડ જરૂરિયાતો પૂરી કરવા માટે પોતાના ઘરના સોનાને એક સરળ સાધન તરીકે ગીરવે મૂકે છે.
-
ગુજરાત જેવા પશ્ચિમના રાજ્યોમાં: વેપારીઓ અને સામાન્ય લોકો સોનું ગીરવે મૂકવાને બદલે બિઝનેસ લોન, ટ્રેડ ક્રેડિટ અથવા શેરબજાર કે ઇક્વિટી જેવા પરંપરાગત નાણાકીય સાધનોનો ઉપયોગ કરવાનો વધુ આગ્રહ રાખે છે.
પબ્લિક સેક્ટર બૅંકોની ગોલ્ડ લોન: રાજ્યવાર રેન્કિંગ
31 માર્ચ, 2026 સુધીના સત્તાવાર બૅંક આંકડા મુજબ ટોચના 8 રાજ્યો નીચે પ્રમાણે છે.
|
રેન્ક
|
રાજ્ય
|
PSB ગોલ્ડ લોન બાકી રકમ
|
|
1
|
તમિલનાડુ
|
₹4,11,656 કરોડ
|
|
2
|
આંધ્ર પ્રદેશ
|
₹2,22,953 કરોડ
|
|
3
|
કર્ણાટક
|
₹98,962 કરોડ
|
|
4
|
તેલંગાણા
|
₹92,394 કરોડ
|
|
5
|
કેરળ
|
₹83,657 કરોડ
|
|
6
|
મહારાષ્ટ્ર
|
₹45,710 કરોડ
|
|
7
|
ગુજરાત
|
₹23,381 કરોડ
|
|
8
|
ઉત્તરપ્રદેશ
|
₹21,745 કરોડ
|
રિઝર્વ બૅંક(RBI)ના મતે ગોલ્ડ લોન સંપૂર્ણપણે સુરક્ષિત
ગોલ્ડ લોનની ઝડપી વૃદ્ધિ અંગે લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે RBIના મૂલ્યાંકન મુજબ ગોલ્ડ લોન ક્ષેત્ર સલામત છે અને તેમાં કોઈ મોટું જોખમ નથી.
-
સોનાના ભાવ વધવાનો લાભ: વૈશ્વિક સ્તરે સોનાની કિંમતો વધવાને કારણે ‘લોન-ટુ-વેલ્યુ’ (LTV) રેશિયો ઘટી ગયો છે. આનાથી ધિરાણ આપતી બૅંકો અને કંપનીઓને સુરક્ષા મળે છે.
-
ડિફોલ્ટમાં તીવ્ર ઘટાડો: લોન ન ચૂકવાઈ હોય તેવા કિસ્સા (NPA – Non-Performing Asset) છેલ્લા ચાર વર્ષથી સતત ઘટી રહ્યા છે. માર્ચ 2026 સુધીમાં કમર્શિયલ બૅંકોમાં ગોલ્ડ લોન પરની ગ્રોસ NPA ઘટીને 0.12% (જે 2023માં 0.19% હતી) થઈ ગઈ છે. જ્યારે NBFCsમાં આ દર 2.32%થી ઘટીને 0.81% જેટલો નીચો આવી ગયો છે.
-
રિટેલ લોનનું સ્થાન: સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગોલ્ડ લોન એ ભારતમાં બીજા ક્રમની સૌથી મોટી રિટેલ લોન નથી. ભારતમાં હજુ પણ હોમ લોન(હાઉસિંગ લોન) સૌથી આગળ છે, ત્યારબાદ પર્સનલ લોન અને વ્હીકલ લોન આવે છે.
ગ્રાહકોના હિત માટે કડક નિયમો બનાવાયા
આ ક્ષેત્ર જૂન 2025માં રજૂ થયેલા RBIના નવા નિયમો હેઠળ સુરક્ષિત રીતે કામ કરે છે. ગ્રાહકોના હિત માટે કડક નિયમો બનાવાયા છે, જેમ કે,
-
સોનું હરાજી કરતી વખતે ઓછામાં ઓછી 90% અનામત કિંમત રાખવી.
-
લોન ન ભરી હોય તો ગ્રાહકને અગાઉથી જાણ કરવી.
-
હરાજીમાં વધારાના મળેલા નાણાં ગ્રાહકને પરત કરવા.
-
ગીરવે મૂકેલું સોનું પરત કરવામાં વિલંબ થાય તો વળતર ચૂકવવું.
































