ઇન્ટરનેટ જગતમાં હલચલ મચાવનાર સ્કેમર્સે અત્યાર સુધીમાં લાખો લોકો સાથે છેતરપિંડી કરી ચુક્યા છે અને હવે તેમણે લોકોને પોતાની જાળમાં ફસાવવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. સ્કેમર્સ હવે ઈમેલ પર કેટલાક એવા દસ્તાવેજો મોકલી રહ્યા છે જેને જોઈને લોકો ગભરાઈ જાય છે અને તેનાથી નીપટવા માટે તરત જ પૈસા ચૂકવવા તૈયાર થઈ જાય છે. જો તમને પણ આવો ચોંકાવનારો ઈમેલ મળ્યો છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારા ઇન્ટરનેટ ઉપયોગ સામે કોર્ટનો આદેશ છે, તો ગભરાશો નહીં. કારણ કે આ પ્રકારનો ઈમેલ મેળવનાર તમે એકલા નથી. સરકારે તેને એક પ્રકારનું કૌભાંડ ગણાવ્યું છે અને દરેકને સાવચેત રહેવા કહ્યું છે.
સરકારના અધિકૃત PIB ફેક્ટ ચેક હેન્ડલ દ્વારા એક્સ (અગાઉ ટ્વિટર) પર ચેતવણી શેર કરવામાં આવી હતી, જેમાં ઇન્ડિયન ઇન્ટેલિજન્સ બ્યુરોથી હોવાનો દાવો કરતા એક નકલી ઈમેલ વિશે યૂઝર્સને ચેતવણી આપવામાં આવી હતી. ઈમેલમાં યુઝર પર અયોગ્ય પ્રવૃત્તિઓ માટે તેમના ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવે છે અને કાનૂની કાર્યવાહીની ધમકી પણ આપવામાં આવે છે. પરંતુ તેની જાળમાં ન ફસાઓ કારણ કે તે એક સ્કેમ છે.
સ્કેમરના ઈમેલમાં શું લખેલું છે?
સ્કેમર્સ જે ઈમેલ મોકલે છે તેમાં આરોપ લગાવવામાં આવ્યો હોય છે કે ઇન્ડિયન ઇન્ટેલિજન્સ બ્યુરો તમારા ઇન્ટરનેટ ટ્રાફિક પર નજર રાખી રહ્યું છે અને તમારી સામે કોર્ટનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ઈમેલ મેળવનાર વ્યક્તિ પર પોર્નોગ્રાફી જોવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવે છે. ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું હોય છે કે ઇન્ટેલિજન્સ બ્યુરોએ સાયબર ક્રાઈમ પોલીસ યુનિટ સાથે મળીને આવી પ્રવૃત્તિઓને ટ્રેક કરવા માટે ફોરેન્સિક ટૂલ્સ બનાવ્યા છે, જે ઇન્ટરનેટ પર તમારી ગતિવિધિઓ પર નજર રાખે છે. ઈમેલને વધુ વાસ્તવિક બનાવવા માટે, તેના પર પ્રોસીકયુટરની સહી પણ હોય છે.
- સૌથી પહેલા ગભરાશો નહીં. આ નકલી નોટિસ છે. જ્યારે પણ કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આ રીતે ઈમેલ મોકલવામાં આવતો નથી. વાતચીત થાય છે અને સૌથી મોટી વાત એ છે કે કોર્ટ હંમેશા હાર્ડ કોપી પોસ્ટ કરે છે. તેથી આવા મેઇલ પર વિશ્વાસ ન કરો.
- ઈમેલમાં આપેલી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં. કારણ કે સ્કેમર્સ ઇચ્છે છે કે તમે ગભરાઈને તે લિંક પર ક્લિક કરો, જેથી તેઓ તમારી આખી સિસ્ટમને કંટ્રોલ કરી શકે.
- જ્યારે પણ આવો મેઇલ આવે, તેને તરત જ cybercrime.gov.in પર ફોરવર્ડ કરી દો.