અમદાવાદમાં તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025′ યોજાશે. એમાંય 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, રાજકોટ તથા વડોદરા ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ’નો પ્રારંભ થશે, ત્યારબાદ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.
417 જેટલા પતંગબાજો ભાગ લેશે
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે. ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે.
વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત થશે
ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે. લોકસંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો આ પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્સવોને જનભાગીદારીથી જન ઉત્સવ તરીકે ઉજવવવાની શરૂઆત કરી હતી. હવે આ પરંપરાને આગળ ધપાવતા રણોત્સવ, તાનારીરી મહોત્સવ, મોઢેરા સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ, સોમનાથ અને દ્વારકાના પવિત્ર યાત્રાધામોમાં પ્રવાસન ઉત્સવ, દાંડીમાં નેશનલ સોલ્ટ મેમોરીયલ, ગાંધી આશ્રમ વગેરેને ઉત્સવ ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે અને પ્રવાસન સાથે નવો ઉત્સાહ અને નવી ઉમંગ ઉજાગર કરવામાં આવે છે.