india vs australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે શરૂ થઈ હતી, પરંતુ વરસાદને કારણે આજે (14 ડિસેમ્બર) મેચનો પ્રથમ દિવસ ધોવાઈ ગયો હતો. મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પ્રથમ દિવસે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે મજા બગડી ગઈ હતી.
જ્યારે પ્રથમ દિવસે, વરસાદને કારણે મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગનો સ્કોર 13.2 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 28 રન રહ્યો હતો. નાથન મેકસ્વીની 4 અણનમ અને ઉસ્માન ખ્વાજા 19 અણનમ ક્રીઝ પર છે. જો કે, ગાબામાં પહેલા દિવસે 5.3 ઓવર પછી વરસાદ પડ્યો હતો. આ પછી 13.2 ઓવર પછી વરસાદે ફરી શરૂ થયો હતો અને તેના પછી મેચ શરૂ પણ થઈ શકી નહીં.
મેચમાં લંચ અને ટી-ટાઈમ પછી પણ રમત શરૂ થઈ શકી ન હતી, ત્યારે લગભગ 12 વાગ્યે (ભારતીય સમય મુજબ) મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેચના પ્રથમ દિવસે એકંદરે માત્ર 80 બોલ જ રમાયા હતા. હવે ગાબા ટેસ્ટના બીજા દિવસની રમત સવારે 5.20 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે. બીજા દિવસે 98 ઓવરની રમત રમાશે.
ગાબા ખાતે ભારતીય ટીમની એકમાત્ર ટેસ્ટ જીત
અગાઉ આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાત ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં ભારતને 5માં હાર અને એક મેચ ડ્રો રહી હતી. ગાબા ખાતે ભારતીય ટીમની એકમાત્ર ટેસ્ટ જીત જાન્યુઆરી 2021માં હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું.
ભારત પાસે ઓસ્ટ્રેલિયામાં હેટ્રિક ફટકારવાની તક
ભારતીય ટીમ 1947થી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહી છે. આ દરમિયાન ક્રિકેટના મેદાન પર બંને ટીમો વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. અત્યાર સુધી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે તેની ધરતી પર 13 ટેસ્ટ સીરિઝ રમી ચૂકી છે. ભારતીય ટીમે આઝાદીના લગભગ ચાર મહિના બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો.