સાયબર ફ્રોડ સામે રક્ષણ આપવા માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત સાયબર દોસ્તે એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. જેમાં Jioના નામનો ઉપયોગ કરીને આવતી Apk ફાઇલને ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ અને લોકોને તેના વિશે સાવચેત રહેવા માટે કહેવામાં આવે છે. સાયબર ફ્રોડની નવી પદ્ધતિથી એક apk ફાઇલ મોકલવામાં આવે છે જેને ઈન્સ્ટોલ કર્યા બાદ યુઝર્સના મોબાઈલ પણ હેક થઈ શકે છે.
X (ટ્વિટર) પર @cyberdost એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં jioના નામથી મેસેજ આવે તો સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે કારણ કે આ એક APK File છે જેને ફોનમાં ઇન્સ્ટોલ કરવાથી તમારો ફોન સરળતાથી હેક થઈ શકે છે અને તમારા બેન્કના ખાતા ખાલી થઈ શકે છે.
આ પોસ્ટમાં સાયબર દોસ્તે જણાવ્યું છે કે “Jio internet speed #5G network connection.apk” આવો કોઈ પણ મેસેજ આવે તો ફાઇલ ડાઉનલોડ ના કરશો, તે એક વાયરસ છે જે ફોન હેક કરી શકે છે અને ડેટા ચોરી કરી શકે છે. સુરક્ષિત રહેવા માટે હંમેશા તેની ઓફિશિયલ એપ પરથી જ એપ ડાઉનલોડ કરવી જોઈએ.
Apk ફાઇલથી કેમ થઈ શકે છે ખતરો?
અજાણ્યા સોર્સ પરથી આવતી Apk ફાઇલમાં માલવેર, સ્પાયવેર અથવા વાયરસ વગેરે હોય શકે છે. જે ફોનમાં ઇન્સ્ટોલ થયા પછી તે ફોનને ટ્રેક કરવામાં સ્કેમરને સરળ રસ્તો કરી આપે છે. હેકર તેની મદદથી મોબાઇલમાં રહેલ સંવેદનશીલ માહિતી ચોરી શકે છે અને આખા ફોનને એક્સેસ કરી શકે છે.