Vadodara News Network

MS યુનિ.ના વાઇસ-ચાન્સેલરનું રાજીનામું:ત્રણ વર્ષ પદ પર ગેરકાયદે રહ્યા?, યોગ્ય લાયકાત વગર VC બનાવી દેવાતાં HCમાં પિટિશન થઈ હતી

પ્રોફેસર શ્રીવાસ્તવની કુલપતિ તરીકેની નિમણૂક વિવાદોમાં હતી અને યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા તેને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી. આજે(8 જાન્યુઆરી) પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધું છે, એ દર્શાવે છે કે તેમની નિમણૂક ગેરકાયદે રીતે કરવામાં આવી હતી અને એલિજિબિલિટી ક્રાઈટેરિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવ કુલપતિ બનવા માટે જરૂરી એવો દસ વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ ધરાવતા નહોતા.

પ્રોફેસર શ્રીવાસ્તવનું રાજીનામું કોર્ટે સ્વીકાર્યું જે સર્ચ કમિટી બનાવવામાં આવી હતી એમાં પણ યુજીસીના રિપ્રેઝન્ટેટિવને સમાવવામાં આવ્યા નહોતા, એવું પ્રોફેસર સતીશ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે પ્રોફેસર શ્રીવાસ્તવનો VC તરીકેનો કાર્યકાળ પૂરો થવામાં એક મહિનો બાકી છે ત્યારે જ કોર્ટમાં એની સુનાવણી થઈ હતી અને વિજય કુમાર શ્રીવાસ્તવ એલિજિબિલિટી પુરવાર કરવામાં નિષ્ફળ ગયા હોય એવું જણાઈ આવ્યું હતું અને તેમનું રાજીનામું સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યું છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

કુલપતિની નિમણૂક અયોગ્ય રીતે થઈ હોવાનો બીજો કિસ્સો ગુજરાતમાં આ બીજો કિસ્સો છે કે જ્યારે કુલપતિની નિમણૂક યોગ્ય રીતે થઈ ન હતી, જેથી કોર્ટ દ્વારા તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે. આ પહેલાં પ્રોફેસર શિરીષ કુલકર્ણી કરીને એપોઈન્ટમેન્ટ એસપી યુનિવર્સિટી વિદ્યાનગર ખાતે બેલેન્સ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે નિમણૂકને અયોગ્ય ઠરાવી હતી અને સરકાર દ્વારા તેમનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.

સરકારી વકીલે હાઈકોર્ટ સમક્ષ વિજય શ્રીવાસ્તવનું રાજીનામું રજૂ કર્યું હતું
વડોદરાની એમ.એસ. યુનિ.ના વાઈસ-ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. લાયકાત વગર વાઈસ-ચાન્સેલર બનાવી દેવાયા હોવાના પુરાવા સાથે હાઈકોર્ટમાં પિટિશન થતાં રાજીનામું ધરી દીધું હોવાની ચર્ચા છે. સરકારી વકીલે હાઈકોર્ટ સમક્ષ વિજય શ્રીવાસ્તવનું રાજીનામું રજૂ કર્યું હતું.

વિજય શ્રીવાસ્તવની વાઈસ-ચાન્સેલર તરીકે નિમણૂકમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. વાઈસ-ચાન્સેલર તરીકે નિમણૂક માટે પ્રો.શ્રીવાસ્તવ લાયકાત ધરાવતા નથી, કારણ કે યુજીસીના નિયમ પ્રમાણે વાઈસ-ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકે ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ જરૂરી હોય છે, જ્યારે પ્રો.શ્રીવાસ્તવ પાસે પ્રોફેસર તરીકે આટલો અનુભવ નથી, સાથે સાથે પ્રોફેસર સતીશ પાઠકે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે વાઈસ-ચાન્સેલરની નિમણૂક કરવા માટે જે સર્ચ કમિટી બનાવવામાં આવી હતી એ પણ યુજીસીના નિયમો સાથે સુસંગત નથી.

કુલપતિ બનવા માટે ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ થયો હતો
એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ તરીકે પોતે લાયકાત ધરાવતા ન હોવાનું જાણવા છતાં પોતે અગાઉ યુ.જી.સીના નિયમ વિરુદ્ધ કુલપતિ તરીકે નોકરી કરી અને ત્યાર બાદ ઉપરોક્ત જણાવેલી વિગતે જે યુનિ.માં તેમણે નોકરી કરી ન હતી એવી યુનિ. તેમજ અન્ય યુનિ.માં હોદ્દાની ખોટી વિગતો જાહેર કરી, જે તમામ બાબતો ધ્યાનમાં લેવામાં આવે તો એ હકીકત સ્પષ્ટ થાય છે કે વિજય શ્રીવાસ્તવે મહારાજા સયાજીરાવ યુનિ.માં નોકરી મેળવવા માટે સદંતર ખોટું અને બનાવટી વિગતોવાળો બાયોડેટા તૈયાર કરેલો અને એને સાચા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કૃત્ય કર્યું છે, તેવી રજૂઆતો થઈ હતી.

પ્રોફેસર તરીકે 14 વર્ષનો અનુભવ દર્શાવ્યો હતો
વિજય શ્રીવાસ્તવની ફેબ્રુઆરી 2022માં MS યુનિ.ના વીસી પદે નિયુક્તિ થઈ હતી. તેમણે પ્રોફેસરશિપને 14 વર્ષ થયાં હોવાનો દાવો કર્યો હતો. ત્યાર બાદ મ.સ.યુનિ.ના વીસી પ્રો.વિજય શ્રીવાસ્તવનો 10 વર્ષનો પ્રોફેસર તરીકે અનુભવ ન હોવાનો વિવાદ થયો હતો. તેમના બાયોડેટા પ્રમાણે 2015થી 7 વર્ષનો પ્રોફેસર પદનો અનુભવ હોવાથી તેમનું પદ જોખમમાં હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. એ સમયે તેમણે જણાવ્યું હતું કે તેઓ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિ.માં 2009માં હતા ત્યારથી જ પ્રોફેસર તરીકેની લાયકાત ધરાવે છે. 14 વર્ષ સુધીનો પ્રોફેસર તરીકેનો અનુભવ છે.

સરકાર રાજીનામું સ્વીકારીને ઈન્ચાર્જ VCની નિમણૂક કરશે
એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરની નિમણૂકને પડકારતી જાહેરહિતની અરજી હાઇકોર્ટ સમક્ષ હતી. એ અરજીમાં વાઇસ-ચાન્સેલર વિજય શ્રીવાસ્તવની નિમણૂક ગેરકાયદે હોવાથી એને રદ કરવાની દાદ માગવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એક તબક્કે ટકોર કરી હતી કે જો યુનિવર્સિટીને UGCની માન્યતા ન હોય તો એનું કોઇ અસ્તિત્વ જ ન રહે અને એની તમામ ડિગ્રીઓ ફેક થઇ જાય. અરજીમાં છેલ્લે 03 જાન્યુઆરીએ રાજ્ય સરકારની દલીલો બાદ યુનિવર્સિટી તરફથી દલીલો માટે વધુ સુનવાણી આજે રાખવામાં આવી હતી, જોકે વર્તમાન VCએ વિવાદ ટાળી દેવા માટે ફેબ્રુઆરીમાં ટર્મ પૂરી થાય એ પહેલાં જ રાજીનામું આપી દીધુ છે, જેની જાણ તેના વકીલે કોર્ટને કરી હતી. હવે સરકાર એ રાજીનામું સ્વીકારીને ઇન્ચાર્જ VCની નિમણુક કરશે. જ્યારે ફુલટાઇમ VC માટે સર્ચ કમિટી દ્વારા શોધ ચાલુ છે. આ મુદ્દે આવતીકાલે વધુ સુનાવણી રાખવામાં આવી છે.

અગાઉની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કહ્યું હતું કે VCની નિમણૂક પડકારાઇ છે. તેમની નિમણૂકની મુદત આઠમી ફેબ્રુઆરીએ પૂર્ણ થવાની છે. સર્ચ કમિટી યુજીસીના નિયમો મુજબ 80 અરજી મળી છે અને નવા VC નવા કાર્યકાળમાં મળી રહેશે. આ મામલે અરજદારના કેસ મુજબ સર્ચ કમિટી UGCના નિયમો મુજબ નહોતી અને તેથી આ નિમણૂક અયોગ્ય હોવાની દલીલ હતી. એ ઉપરાંત VC જોડે પૂરતી લાયકાત ન હોવાનો પણ અરજદારનો દાવો છે. જો હવે એક મહિના માટે યુનિવર્સિટીમાં કોઇ વડા ન હોય તો મુશ્કેલી સર્જાશે, તેથી એક મહિના માટે તેમને ચાલુ રાખવા જોઇએ અને નવા VCની નિમણૂક થવા દેવી જોઇએ.

હાઇકોર્ટે રાજ્ય સરકારની દલીલો બાદ એવી ટકોર કરી હતી કે યુનિવર્સિટી જો UGC માન્યતાપ્રાપ્ત ન હોય તો યુનિવર્સિટી સમગ્ર દેશમાં ટકી જ શકે નહીં અને એવી યુનિવર્સિટીની ડિગ્રી ફેક થઇ જાય. એ અસક્ષમ અને અયોગ્ય ગણાય. તેથી યુનિવર્સિટી આવી દલીલ ન કરી શકે. આવા મામલે સુપ્રીમ કોર્ટના કોઇ એક ચુકાદા પર જ આધાર રાખી શકાય નહીં. આપણે લેટેસ્ટ ચુકાદા પર જ આધાર રાખવો જોઇએ. યુનિવર્સિટી સ્વાયત્ત સંસ્થા છે. યુનિવર્સિટીની સ્થાપનામાં રાજ્યની ભૂમિકા માત્ર એટલી હોય છે કે તેઓ કાયદા અને સ્ટેચ્યૂટમાં એમેન્ડમેન્ટ કરે. એ સિવાય યુનિવર્સિટી યુજીસીની ગાઇડલાઇન્સ મુજબ સંચાલિત થાય છે. એવા સંજોગોમાં રાજ્ય સરકારે ઠરાવ કર્યો હોવાની દલીલ કરી શકે નહીં.

HCમાં થયેલી પિટિશનની ટાઈમલાઈન

23-11-2023 – રીટ કરવામાં આવી.
06-05-2024- PILમાં કન્વર્ટ કરવાનો હાઈકોર્ટે ઓર્ડર કર્યો.
27-09-2024 – ગુજરાત હાઈકોર્ટમાં PIL હતી.
03-01-2025- PILની પ્રથમ સુનાવણી થઈ.
08-01-2025- સરકારી વકીલે VCનું રાજીનામું રજૂ કર્યું.
09-01-2025ના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

કહ્યાગરા કુલપતિઓની નિયુક્તિથી ગુજરાતનું ઉચ્ચશિક્ષણ ખાડે ગયું- કોંગ્રેસ
​​​​​​​ભાજપ સરકાર કુલપતિઓના નિમણૂકમાં ધારાધોરણ અંગે આંખ આડા કાન કરી રહી છે, જેના લીધે શિક્ષણ વ્યવસ્થાને ભારે નુકશાન થઇ રહ્યું છે. UGCના ધારાધોરણ મુજબ પગાર ધોરણ, વિશેષ લાભ અને સુવિધા લઈ રહ્યાં છે અને બીજીબાજુ UGCના ધારાધોરણ મુજબ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તે કુલપતિઓને શિક્ષણના હિતમાં તાત્કાલીક અસરથી દૂર કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનિષ દોશી અને ડૉ. નિદત બારોટે જણાવ્યું. છેલ્લા 15-15 વર્ષમાં ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં લાયકાત વગરના કુલપતિઓની ભાજપ સરકારે નિયુક્તિ કરી. કહ્યાગરા કુલપતિઓની નિયુક્તિથી ગુજરાતનું ઉચ્ચશિક્ષણ ખાડે ગયું. એમ.એસ. યુનિવર્સિટીના લાયકાત ન ધરાવતા કુલપતિ ડૉ. શ્રીવાસ્તવને કાર્યકાળ પૂરો થવાને માત્ર એક મહિનો બાકી છે ત્યારે અંતે રાજીનામું આપવાની ફરજ પડી.

ખોટી અને બનાવટી વિગત સાથે બાયોડેટા તૈયાર કર્યો હતો
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શ્રીવાસ્તવને જે સમયે કુલપતિ પદે નિયુક્ત થયા તે સમયે જ તેમની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કુલપતિપદ માટેની જરૂરી માપદંડોનું સરેઆમ ઉલ્લંધન અંગે પુરાવા સાથે ફરિયાદ થઈ હતી. શ્રીવાસ્તવને કુલપતિ બનવા માટે પ્રોફેસર તરીકેનો 10 વર્ષનો અનુભવ ન હતો. એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ તરીકે શ્રીવાસ્તવ લાયકાત ધરાવતા ન હોવાનું જાણવા છતાં અન્ય યુનિવર્સિટીઓને હોદાઓની ખોટી વિગતો જાહેર કરી હતી એટલે કે ખોટી અને બનાવટી વિગત સાથે બાયોડેટા તૈયાર કર્યો, જે ગંભીર ગુનો હોવા છતાં ભાજપ સરકારે તમામે રજૂઆતોને આંખ આડા કાન કર્યા હતા પણ ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર બાબત ખુલ્લી પડી ​​​​​​​જતાં અંતે ભાજપ સરકારે ચામડી બચાવવા રાજીનામું લઈને ઢાંકપીછોડો કરવાનું કામ કર્યું છે.

UGC મુજબ લાયકાત ન ધરાવતા કુલપતિઓની હકાલપટ્ટી કરવા માંગ
​​​​​​​સરદાર પટેલ યુનિવર્સિટીના લાયકાત ન ધરાવતા કુલપતિ શિરીષ કુલકણીની નિયુકિત સુપ્રીમ કોર્ટે રદ કરી હતી અને ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટપણે ગુજરાત સરકાર UGCના ધારાધોરણ અને શૈક્ષણિક લાયકાતોનું પાલન કરવા નિર્દેશ કર્યો હતો તેમછતાં ગુજરાત યુનિવર્સિટીમાં જે-તે સમયના કુલપતિ હિમાંશુ પંડ્યા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના હર્ષદ શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિતિન પેથાણી, ક્રમલેશ જોશીપુરા, ભાવનગર યુનિવર્સિટીના એસ.એન. ઝાલા, વીર નર્મદ યુનિવર્સિટીના શૈલેન્દ્ર ગુપ્તા એ ધારાધોરણને ઉલ્લંઘન કર્યાની વ્યાપક ફરિયાદ છતાં જે-તે યુનિવર્સિટીમાં કુલપતિપદનો કાર્યકાળ પુરો કર્યો. તમામ UGCના પગાર સહિતના લાભો મેળવ્યાં, જે ભાજપ સરકારની શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા અને RSS ભાજપ સહિતની ભગીની સંસ્થાના વ્યક્તિઓની શિક્ષણના ભોગે સાચવવાની નીતિને ઉજાગર કરે છે. UGCના ધારાધોરણ-લાયકાત ન ધરાવતા કુલપતિઓને તાત્કાલિક અસરથી તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસ પક્ષ પુનઃ માંગણી કરે છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved