Salman Khan Birthday : ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન ચાહકોના પ્રિય સ્ટાર્સમાંના એક છે. જ્યારે પણ સલમાનની ફિલ્મો કે તેના અંગત જીવન વિશે કોઈ વાત થાય છે ત્યારે તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. સલમાન લાંબા સમયથી ઈન્ડસ્ટ્રી તેમજ લોકોના દિલો પર રાજ કરી રહ્યો છે. 27 ડિસેમ્બર, 1965ના રોજ જન્મેલ સલમાન ખાન આવતીકાલે તેનો 58મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. તેના પિતાની ફિલ્મી પૃષ્ઠભૂમિ હોવા છતાં તેણે ક્યારેય તેમના નામનો ઉપયોગ કર્યો ન હતો અને પોતાના દમ પર સંઘર્ષ કરીને પોતાની ઓળખ બનાવી હતી.
શું તમે જાણો છો સલમાન ખાનનું પૂરું નામ ?
આખી દુનિયા અભિનેતા સલમાન ખાનને આ નામથી જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેનું પૂરું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. તમને જણાવી દઈએ કે, અભિનેતાનું આ નામ તેના પિતા સલીમ ખાન અને દાદા અબ્દુલ રાશિદ ખાનના નામનું સંયોજન છે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે સલમાન ખાને એક્ટર બનતા પહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. તેણે જેકી શ્રોફ અભિનીત ફિલ્મ ‘ફલક’ માં સહાયક નિર્દેશક તરીકે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.
તો શું આ ફિલ્મે બદલી નાખ્યું સલમાનનું ભાગ્ય ?
અભિનેતા તરીકે સલમાન ખાનની પહેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ હતી પરંતુ તેને તેની બીજી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી ઓળખ મળી. આ ફિલ્મ અભિનેતાની કારકિર્દી તેમજ હિન્દી સિનેમાની સફળ ફિલ્મોમાંની એક છે. શાહરૂખની ફિલ્મ ‘બાઝીગર’ બધાને યાદ હશે. આ ફિલ્મ કિંગ ખાનના કરિયરમાં બ્લોકબસ્ટર હતી પરંતુ તમને જણાવી દઈએ કે, શાહરૂખ પહેલા અબ્બાસ મસ્તાને સલમાનને આ ફિલ્મ ઓફર કરી હતી. જોકે ભાઈજાને નકારાત્મક ભૂમિકાને કારણે તે માટે ના પાડી દીધી હતી. સલમાને પોતે કપિલ શર્મા શોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
હાથમાં પહેરેલ બ્રેસલેટ વિશે સત્ય
દબંગ ખાને હાથ પર પીરોજ રંગનું બ્રેસલેટ પહેર્યું છે. આ બ્રેસલેટ તેને કોઈ જ્યોતિષે ગિફ્ટમાં નથી આપ્યું, પરંતુ તે ખરેખર સલમાનને તેના પિતા સલીમ ખાને ગિફ્ટ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તે તેને પોતાનો લકી ચાર્મ માને છે. ફરાહ ખાને એક ડાન્સ રિયાલિટી શોમાં ખુલાસો કર્યો હતો કે, ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના ગીત ‘સજન જી ઔર આયે’ના અડધાથી વધુ સીન સલમાનના ડુપ્લિકેટ દ્વારા શૂટ કરવામાં આવ્યા હતા કારણ કે દબંગ ખાન સેટ પર માત્ર 2-3 કલાક માટે જ આવતો હતો.