બીસીએના કોટંબી સ્ટેડિયમમાં વિમેન્સ પ્રિમિયર લીગનો પ્રારંભ થયો હતો. પ્રથમ મેચમાં આરસીબીએ ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું હતું. ગુજરાત ગાર્ડનરના 79 રનના ભરોસે રહ્યું, જ્યારે આરસીબીએ ટીમ વર્કથી જીત મેળવી હતી. ડબ્લ્યુપીએલમાં પ્રથમવાર 200 રનનો ટાર્ગેટ ચેઝ કરાયો હતો. મેચના 20 મિનિટના ઇન્ટરવલમાં બોલિવુડ સ્ટાર આયુષ્યમાન ખુરાનાએ ડાન્સ સાથેનું પર્ફોર્મન્સ કરી 10 હજારથી વધુ દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં.
આરસીબીની સુકાની સ્મૃતિ મંધાનાએ ટોસ જીતી ગુજરાત જાયન્ટ્સને પ્રથમ બેટિંગ આપ્યું હતું. જેમાં 20 ઓવરના અંતે 5 વિકેટે 201 રન થયા હતા. સુકાની એસ્લી ગાર્ડનરે 37 બોલમાં 8 છગ્ગા લગાવી અણનમ 79 રન કર્યા હતા તેમજ બેથ મુનીએ 42 બોલમાં 8 ચોગ્ગા સાથે 56 રન કર્યા હતા. જ્યારે આરસીબીએ 109 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ વિકેટકીપર રીચા ઘોષ અને કનીકા આહુજાએ ભાગીદારીમાં 93 રન કરી જીત અપાવી હતી. રીચાએ 27 બોલમાં 4 છગ્ગાની મદદથી અણનમ 64 અને કનીકાએ 13 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અણનમ 30 રન કર્યા હતા.
ટિકિટ હોવા છતાં પ્રવેશ ન મળ્યાનો દર્શકોનો બળાપો વિમેન્સ પ્રીમીયર લીગની મેચો પ્રથમવાર વડોદરામાં રમાઈ રહી છે ત્યારે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેના પગલે કેટલાક દર્શકોને ટિકિટ હોવા છતાં પ્રવેશ ના મળ્યો હોવાનો બળાપો કાઢયો હતો જો કે સતાધીશોએ જણાવ્યું હતું કે ,આ પ્રકારનાે બનાવ અમારા ધ્યાનમાં નથી.
વિકેટ મળતાં આરસીબીની કનીકાએ ડાન્સ કર્યો પ્રારંભિક મેચમાં આરસીબી બેંગ્લુરુની ટીમે ગુજરાત જાયન્ટ્સને હોમ ગ્રાઉન્ડમાં હરાવ્યું હતું. આ મેચમાં કનીકા આહુજાએ દયાલન હેમલતાની વિકેટ લેતાં તેણે મેદાન પર જ ડાન્સ કર્યો હતો. જ્યારે ટીમને જરૂર હતી ત્યારે તેણે શાનદાર બેટિંગ કરીને ટીમને ઉગારી લીધી હતી.
આયુષ્માન ખુરાનાના ડાન્સ પર પ્રેક્ષકો આફરીન થયા મેચના ઇન્ટરવલમાં બોલિવુડ સ્ટાર આયુષ્યમાન ખુરાનાનું પર્ફોમન્સ રજૂ કરાયું હતું. શરૂઆતમાં ગ્રૂપ સાથે આવેલા બોલિવુડ સ્ટારે વીઆઈપી બોકસમાં બેઠેલા દર્શકો સામે ડાન્સ કર્યો હતો તે પછી આખા મેદાનમાં તે ગ્રૂપ સાથે ફર્યો હતો. આયુષ્માનના ડાન્સ પર પ્રેક્ષકો આફરીન થયા હતા.
