કેન્દ્ર સરકાર એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)માં મોટા ફેરફારોની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EPFO 3.0ના ડ્રાફ્ટ અનુસાર, હવે કર્મચારીઓને ATMમાંથી સીધા પીએફ ફંડ ઉપાડવાની સુવિધા આપવા પર વિચારણા ચાલી રહી છે.
એવું માનવામાં આવે છે કે આ સુવિધા આવતા વર્ષે જૂનથી શરૂ થઈ શકે છે, પરંતુ એના દ્વારા માત્ર એક નિશ્ચિત રકમ જ ઉપાડી શકાશે. આનો અર્થ એ થશે કે કર્મચારી કટોકટી માટે પૈસા ઉપાડી શકશે, પરંતુ નિવૃત્તિ પછી પણ ખાતામાં પૂરતી રકમ રહેશે.
એ જ સમયે EPFમાં કર્મચારી દ્વારા વર્તમાન 12% યોગદાન વધારવા પર પણ વિચારણા ચાલી રહી છે. હાલમાં કર્મચારી તેના મૂળ પગાર, મોંઘવારી ભથ્થા અને જાળવી રાખવાના ભથ્થાના 12% ફાળો આપે છે, જેમાંથી 8.33% પગાર પેન્શન ફંડમાં અને 3.67% EPFમાં જાય છે.
કર્મચારીઓ પેન્શન યોજનામાં પણ યોગદાન વધારી શકશે
- કેન્દ્ર સરકારે પેન્શન સ્કીમ (EPS-95)માં ફેરફાર માટે પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે. આ હેઠળ કર્મચારીઓ પણ હાલમાં લાગુ 8.33% યોગદાનમાં વધારો કરી શકશે.
- એમ્પ્લોયર (કંપની) યોગદાનમાં કોઈ ફેરફાર થશે નહીં. તેણે કર્મચારીના પગારના પ્રમાણમાં આ ચુકવણી કરવી પડશે.
- કર્મચારી કોઈપણ સમયે યોગદાન અને પેન્શન ફંડને ટોપ અપ કરવાની સુવિધા મેળવી શકશે.
- કર્મચારીને પીએફ સુવિધાઓથી વાકેફ કરવા માટે પોર્ટલને વધુ ઇન્ટરેક્ટિવ બનાવવામાં આવશે.
- EPFO 1.0: એકાઉન્ટ્સ મેન્યુઅલી જાળવવામાં આવતાં હતાં. અરજી અને ઉપાડ પેપરપ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યાં હતાં.
- EPFO 2.0: EPFO ડિજિટલ થઈ ગયું. ઓનલાઈન પોર્ટલ સુવિધા. કર્મચારીને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) મળ્યો.
નોકરી છોડ્યા પછી તમે એક મહિના પછી તમારા PFના 75% પૈસા ઉપાડી શકશો. PF ઉપાડના નિયમો હેઠળ જો કોઈ સભ્ય તેની નોકરી ગુમાવે છે તો તે 1 મહિના પછી PF ખાતામાંથી 75% પૈસા ઉપાડી શકે છે. આનાથી તે બેરોજગારી દરમિયાન પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. PFમાં જમા બાકીના 25% નોકરી છોડ્યાના બે મહિના પછી ઉપાડી શકાય છે.
પીએફ ઉપાડ આવકવેરાના નિયમો જો કોઈ કર્મચારી કંપનીમાં 5 વર્ષની સેવા પૂર્ણ કરે છે અને પીએફ ઉપાડે છે, તો એના પર કોઈ આવકવેરોની જવાબદારી નથી. 5 વર્ષનો સમયગાળો એક અથવા વધુ કંપનીઓને જોડીને પણ હોઈ શકે છે. એક જ કંપનીમાં 5 વર્ષ પૂરાં કરવા જરૂરી નથી. કુલ સમયગાળો ઓછામાં ઓછો 5 વર્ષનો હોવો જોઈએ.
જો કર્મચારી 5 વર્ષ સેવા પૂર્ણ કર્યા પહેલાં પીએફ ખાતામાંથી 50 હજાર રૂપિયાથી વધુ ઉપાડે છે, તો તેણે 10% TDS ચૂકવવો પડશે. જો તમારી પાસે PAN કાર્ડ નથી તો તમારે 30% TDS ચૂકવવો પડશે. જોકે જો કર્મચારી ફોર્મ 15G/15H સબ્મિટ કરે તો કોઈ TDS કાપવામાં આવતો નથી.