વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે કુવૈત પહોંચ્યા હતા. કુવૈત પહોંચતા જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા 43 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. આ પ્રસંગે પીએમ મોદીએ એક્સ પોસ્ટ કરી જણાવ્યું હતુ કે આ મુલાકાત નિઃશંકપણે વિવિધ ક્ષેત્રોમાં ભારત-કુવૈત મિત્રતાને મજબૂત બનાવશે. હું આજે અને આવતીકાલ માટેના કાર્યક્રમોની રાહ જોઈ રહ્યો છું. આ અંગે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની આ મુલાકાત ગલ્ફ દેશો સાથે ભારતના ગાઢ સંબંધોને નવા સ્તરે લઈ જશે.
PM મોદીએ કુવૈતમાં અબ્દુલ્લા અલ બરુન અને અબ્દુલ લતીફ અલ નેસેફ સાથે મુલાકાત કરી હતી. અબ્દુલ્લા અલ બરુને રામાયણ અને મહાભારત બંનેનો અરબીમાં અનુવાદ કર્યો છે. અબ્દુલ લતીફ અલ નેસેફે રામાયણ અને મહાભારતની અરબી આવૃત્તિઓ પ્રકાશિત કરી છે. વડાપ્રધાને ‘મન કી બાત’માં પણ પોતાના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ કુવૈત જતા પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજે હું કુવૈત રાજ્યના અમીર મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યો છું. અમે કુવૈત સાથે અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ.