શહેરમાં રવિવારે યોજાનાર મતદાનને દિવસે ગરમીનો પારો 43 ડિગ્રી જવાની શક્યતા છે. ત્યારે બપોરે 12 વાગ્યા સુધી 40થી 45 ટકા મતદાન થાય તેવી ભાજપ સંગઠનને સૂચના આપી છે.
પાલિકાની ચૂંટણીમાં સમસ્યાઓથી ત્રસ્ત લોકો ભાજપ સામે વિરોધ ઠાલવી રહ્યા છે. ત્યારે મતદાન વધારવા ભાજે રણનીતિ બનાવી હોવાનું જાણવા મળ્યું છે. 3 દિવસ હિટ વેવની આગાહી છે. મતદાનના દિવસે પારો 43ને પાર જાય તેવી શક્યતા છે. ત્યારે મતદારોને ઘરથી બહાર બોલાવી મતદાન કરાવવાનું આયોજન છે.
સૂત્રો મુજબ મતદાનના દિવસે ભાજપ સંગઠન અને કાર્યકરોને બપોરે 12 વાગ્યા સુધી બમ્પર વોટિંગ કરાવવા સૂચના અપાઇ છે. બપોર સુધીમાં 40થી 45% મતદાન થાય તેવા પ્રયત્નો કરવા કહેવાયું છે. ભાજપનું માનવું છે કે, બપોર બાદ લોકો નહીં નીકળે, 12 વાગતામાં 40%થી વધુ મતદાન થઈ જાય તો સાંજના બે કલાકમાં મળનારા મતો બોનસ બનશે.
3 ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા હતા હર્ષ સંઘવીએ વડોદરામાં સભા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોર્ડ-7ના કાર્યાલયની મુલાકાત લીધી. 2001, 2005 અને 2010ની ચૂંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ શો અને સભાઓ યોજી હતી. આ વખતે પંચાયતોની ચૂંટણી પણ હોવાથી સભાઓ ન હોવાનો તર્ક અપાયો છે.
સંગઠનને સૂચના, મતદાન ઓછું થશે તો 4થી 6ના બે કલાક તનતોડ મહેનત માટે તૈયાર રહો સૂત્રો મુજબ બપોર સુધીમાં 40થી 45 ટકા મતદાન ન થાય તો સાંજે બે કલાક મહત્વના રહેશે. 4થી 6માં જ્યાંથી લોકો નીકળ્યા નથી તેના પેજ પ્રમુખને દોડાવાશે. મહત્વનું છે કે વડોદરા આવેલા મુખ્યમંત્રીએ પણ બપોરના 12 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન કરાવવા માટેનું સૂચન કર્યું હતું.
2021માં 12 વાગ્યા સુધી 21% જ મતદાન હતું, ગત 5 ચૂંટણીમાં 50% ઉપર ગયું જ નથી
| સપ્ટેમ્બર-2000 | ઓક્ટોબર-2005 | ઓક્ટોબ-2010 | નવેમ્બ-2015 | ફેબ્રુઆરી-2021 |
| 43.22% | 43.96% | 44.41% | 48.71% | 47.8% |
2021ની ચૂંટણી દરમિયાન શહેરમાં સવારના 7 વાગ્યાથી બપોરે 11 સુધી એવરેજ મતદાન 13થી 14 ટકા નોંધાયું હતું. ત્યારબાદ 1 વાગ્યા સુધી સરેરાશ 21 ટકા મતદાન નોંધાયું હતું. હાલમાં 43 ડિગ્રી જેટલી ગરમી પડશે તેવામાં બપોરના 12 વાગ્યા સુધી મતદાનનો આંકડો 40 ટકા સુધી પહોંચાડવો અશક્ય છે.
26મીએ સવારે બૂથ પર જવાનું છે, 25મીએ મિટિંગ ન યોજવી, વાહનો બૂથ પર જ રાખવા
- ભાજપના ગોરધન ઝડફિયા અને પરેન્દુ ભગતની મિટિંગમાં બૂથથી 100 મીટરમાં સેલ્ફી ન લેવા સુચના
- મતદાન મથકથી 200 મીટર દૂર મતદાર સ્લિપ માટેના ટેબલ ગોઠવવા
- કોઈપણ પ્રકારના ફ્રોડ કે બોગસ મતદાન અંગેની વિગતો જાણવા મળે તો તેની સામે ઓબ્જેક્શન ઉઠાવવું.
- તારીખ 23 અને 24 સુધી કાર્યકરો સાથે તમામ બેઠકો પૂર્ણ કરી લેવી. 26 તારીખે મતદાનના દિવસે કાર્યકરને સવારે બુથ પર જવાનું હોવાથી 25 તારીખે રાત્રે કોઈ પણ મીટિંગ નહીં યોજાય
- બૂથ પર મતદારોને લાવવા-લઈ જવા બે વાહનો મૂકવા. ભલે આખો દિવસ તેનો ઉપયોગ ન થાય પરંતુ વાહનો રાખવા






























