Gujarat Board Exam : આપણે બધા જાણીએ છીએ કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાનાર છે. બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓને અનેક પ્રશ્નોની સાથે-સાથે ચિંતા અને તણાવ પણ રહેતો હોય છે. જોકે આ મામલે હવે સરકારે એક સરાહનિય અભિગમ અપનાવ્યો છે. વાસ્તવમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2025 મહિનામાં લેવાનાર 10મી અને 12મી બોર્ડની મુખ્ય પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ બોર્ડની પરીક્ષાઓને લગતા કોઈપણ પ્રકારનું માર્ગદર્શન મેળવવા માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરની મદદ લઈ શકશે. આ હેલ્પલાઈન પર કોલ કરવા પર નિષ્ણાત કાઉન્સેલરો અને મનોવૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
જાણો કેમ જાહેર કરવામાં આવ્યો આ ટોલ ફ્રી નંબર ?
આપણે ત્યાં સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાઓ નજીક આવતાં જ ઘણા વિદ્યાર્થીઓ ડર અનુભવે છે. ઘણા વિદ્યાર્થીઓ ફરિયાદ કરે છે કે, તેઓ જે પણ તૈયારી કરતા હોય કે ભણતા હોય, તેમને યાદ રહેતું નથી. ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર પણ બને છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓમાં પણ ખોટા વિચારો આવવા લાગે છે. આ અનુભવોને ધ્યાનમાં રાખીને બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 જાહેર કરવામાં આવ્યો છે. આ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 27 જાન્યુઆરીથી 17 માર્ચ સુધી કાર્યરત રહેશે જેના પર વિદ્યાર્થીઓ કે વાલીઓ સવારે 11:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી ફોન કરીને નિષ્ણાત કાઉન્સેલર અને મનોવૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે.
નોંધનિય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગત વર્ષની સરખામણીએ બે સપ્તાહ વહેલા 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓનું આયોજન કર્યું છે. આ વખતે ગુજરાત બોર્ડની 10મી અને 12ની બોર્ડની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી લેવાઈ રહી છે, જે 10મી માર્ચ સુધી ચાલશે. સમગ્ર ગુજરાતમાંથી 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ 10મા અને 12માની બોર્ડની પરીક્ષા આપશે.
