વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ધમકી મળતા વડોદરા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.વડોદરાનાં અલકાપુરી સ્થિત એક્સપ્રેસ હોટલને ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો હતો. તેમજ ઈ-મેઈલમાં રૂમ અને પાઈપ લાઈનમાં બોમ્બ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ નવરચના સ્કૂલને પણ આ જ પેટર્નથી ધમકી મળી હતી. બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની તપાસનાં અંતે કંઈ ન મળ્યું હતું. 48 કલાક પછી પણ ધમકી આપનાર પોલીસ પકડથી દૂર છે.
આજે 26 મી જાન્યુઆરીને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે થોડા સમય પહેલા વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જે બાદ વડોદરા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્કૂલ ખાતે પહોંચી બોમ્બ ડિસ્પોઝેબલની ટીમ, ડોગ સ્કોર્ડની ટીમો સ્કૂલ સાથે પહોંચી તપાસ હાથ ધરી હતી.
લાંબા સમયની તપાસ બાદ પોલીસને સ્કૂલમાંથી કંઈ ન મળતા પોલીસ તેમજ સ્કૂલ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આજે ફરી વડોદરામાં અલકાપુરી સ્થિત એક્સપ્રેસ હોટલને ધમકી ભર્યો ઈ-મેલ મળતા હોટલ સ્ટાફ સહિત હોટલમાં રહેલ મુસાફરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ધમકી ભર્યા ઈ-મેઈલ બાબતે પોલીસને જાણ કરી
ત્યારે હોટલ સંચાલક દ્વારા આ ઈમેઈલને લઈ પોલીસને જાણ કરતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ સ્કોર્ડ, ડોગ સ્કોર્ડ સહિતની ટીમો હોટલ ખાતે પહોંચી હતી. તેમજ હોટલમાં રહેલ લોકોને સુરક્ષિત બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. પરંતું તપાસનાં અંતે હોટલમાંથી કંઈ મળ્યું ન હતું. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ધમકી ભર્યો મેલ મોકલનાર વ્યક્તિને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
