સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણથી ચાર દિવસમાં જાહેર થઈ શકે છે. જેમાં રાજ્ય ચૂંટણી આયોગ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે 23 જાન્યુઆરીએ મતદાન મથકોને આખરી ઓપ અપાશે તેવી માહિતી સામે આવી છે.આ ઉપરાંત 27 જાન્યુઆરી સુધી સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવશે. જેમાં ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા દેખાઇ રહી છે.
મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન પણ જાહેર કરાઈ ચુક્યું
અગાઉ રાજ્યની આઠ મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે. વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (પછાત જાતિ) રહેશે. રાજકોટ મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (અનુસૂચિત જાતિ) બનશે. ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી
રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી છે તેમજ ખેડા અને બનાસકાંઠા જીલ્લા પંચાયત તેમજ 17 તાલુકા પંચાયત પર ચૂંટણી થશે. જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિંમાકનમાં ફેરફાર થયો હતો. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે ત્યારે ગયા મહિને બેઠકોની ફાળવણીને લઈ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું.
